Cristmas Mitting

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજે હર્ષોલ્લાસ સહ નાતાલ પર્વ ઉજવ્યું

          સર્વધર્મ સમભાવની ભારતીય પરંપરાને અનુરૂપ રહી, હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજે, તા. ૨૩ મી ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ, મિલ્ટન સ્થિત ગ્રેસ એન્ગ્લીકન ચર્ચમાં, સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં નાતાલ પર્વની ઉજવણી કરી હતી. જેમાં સમાજના સભ્યોએ વિવિધ રીતે, પોતાના વિચારો રજુ કર્યા હતા.

પર્વ ઉજવણી કાર્યક્રમની શરૂઆતમાં એચ.જી.એસ.એસ.ના પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટે સહુ સભ્યોને વર્ષાન્ત સભામાં આવકારી, જે રીતે સંસ્થાના સર્વાંગી વિકાસમાં સ્થાપના કાળથી સહયોગ આપી રહ્યા છે તે આગામી સમયમાં પણ ચાલુ રાખવા આગ્રહભરી વિનંતી કરી હતી. તેમણે દિવાળી મિટિંગનો અહેવાલ આપી, નવી નવી પ્રવૃત્તિઓ કરવાની ખાતરી આપી હતી. વરિષ્ઠ વહીવટી કમિટી સભ્ય શ્રીમતિ દિવ્યાબેન કાપડીયાએ મિટિંગમાં હાથ પર લેવાનાર વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તેમજ સભ્યોને પોતાની આંતરિક શક્તિઓ/ કળા પ્રદર્શિત કરવા, વહીવટી કમિટીને જાણ કરવા આગ્રહભરી વિનંતી કરી હતી. કાર્યક્રમ-સંકલન માહિર શ્રીમતિ કલ્પનાબેન શાહે, ગત મિટિંગ અને ચાલુ  નાણાકીય પાસાઓની માહિતી આપી હતી.

પર્વ ઉજવણી કાર્યક્રમમાં,સહુ પ્રથમ શ્રીમતિ જયાબેન સેન્જલીયાએ ખ્રિસ્તી ધર્મના ક્રિસ્ટમસ/ નાતાલ પર્વ અને સનાતન ધર્મના દિપોત્સવી પર્વમાં રહેલ આદ્યાત્મિક અને ઉજવણી રીતભાતની સમાનતા વિષે વિશ્લેષણાત્મક વક્તવ્ય આપ્યું હતું. શ્રીમતિ સુરેખાબેન ગાંધીએ શીતકાલીન સમયની વ્યથા-કથા રજુ કરતા કાવ્યની કરી હતી.  સમાજના પ્રાસંગિક વક્તા ચિંતક/ વિચારક પ્રો. શ્રી પંકજ ત્રિવેદીએ ગીતા જયંતી અને નાતાલ પર્વના તત્વાર્થ ને સમાવેશ કરતુ -“ જીવન ના- કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય-અગ્રતાક્રમ “- વિષે મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે –“ અપેક્ષા-નિયંત્રણ, નિર્માની જીવન, મૌન અને પ્રેમનું મહત્વ દરેક ધર્મનું હાર્દ છે. શાંતિ શાશ્વત છે, જીવનના વિવિધ પડાવ પર અશાંતિ ઉદ્ભવવાના કારણો સમઝી, નિવારણ કરવાથી પરમ શાંતિ અનુભવી શકાય.” શ્રી મણીભાઈ પટેલ અને શ્રી ધનસુખભાઈ કાપડીયાએ પણ વિષય અનુસંધાનમાં પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું –“ વર્તમાનમાં જીવો, પરિવર્તન સ્વીકારો અને ભાગ્ય કરતાં કર્મને પ્રાધાન્ય આપો.” તો શ્રી કિરણભાઈ શેઠે હાસ્ય-વ્યંગ કવિત રજુ કરીને ચિંતનાત્મક વાતાવરણને હળવું બનાવ્યું હતું. શ્રીમતિ પદ્માબેન પાઠક અને શ્રી શશીકાંતભાઈ દેસાઈએ હિન્દી ફિલ્મી ગીતોના રિમિક્ષ ગાઈ સહુને સંગીતમય કર્યા હતા.

પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટ,ઉપ-પ્રમુખ શ્રી પીયુષભાઈ પટેલ, શ્રીમતિ દીવ્ય્બેન કાપડિયા અને શ્રીમતિ કલ્પનાબેન શાહે સહુ સભ્યોને “ બિંગો “ રમત રમાડી હતિ, જેમાં શ્રીમતિ સુરેખાબેન ગાંધી, શ્રી શશીકાંતભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ શાહ, શ્રીમતિ શેઠ વિજેતા બનતાં, તેઓને ઈનામથી નવાજવામાં આવ્યા હતા. નવાગંતુક સભ્યો સી.આઈ.એ. પ્રેસિડેન્ટ શ્રી જગ્મોહાનજી મૈનરા અને શ્રી  દેસાઈ યુગ્મએ સ્વ પરિચય આપી, એચ.જી.એસ.એસ.ની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સભ્યોની લગ્ન-તિથિ અને જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપી હતી.

સર્વધર્મ સમભાવમાં માનતા એચ.જી.એસ.એસે, કેનેડાની સંસ્કૃતિને માન આપી, મેરી ક્રિસ્ટમસ સોન્ગ્સના તાલે સહુ મન મુકીને ઝૂમ્યા હતા. વહીવટી સમિતિના ઉપસ્થિત સભ્યોએ કાર્યક્રમને સર્વાંગ સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો. ભારતગમન કરી ગયેલ, સભ્યોની અનુપસ્થિતિ બધાને જ વર્તાતી હતી. અંતે શ્રીમતિ મીનાબેન ભટ્ટ તરફથી આવેલ રસ ઝરતાં ખમણ અને એચ.જી એસ.એસ. તરફથી અપાયેલ  અને શ્રી પીયુષભાઈ પટેલ,શ્રી ભરતભાઈ પટેલ અને શ્રીમતિ સ્મિતાબેન મોદીની ફૂડ-કમિટી દ્વારા પીરસાયેલા સમિષ્ઠાન્ન ભોજનને માણી , નવા વર્ષના પુનઃ મિલનની અપેક્ષા સહ, સહુ વિરમ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *