હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા મનાવાયેલ શક્તિ-ભક્તિ પર્વ “નવરાત્રિ” અને વિજય પર્વ “ વિજયા દશમી”

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા મનાવાયેલ શક્તિ-ભક્તિ પર્વ “નવરાત્રિ” અને વિજય પર્વ “ વિજયા દશમી”

તસ્વીર:  શકુંતલાબેન પંડ્યા     અહેવાલ: પંકજભાઈ ત્રિવેદી

મિલ્ટન સ્થિત વડીલ-વૃંદની સંસ્થા, હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની નવરાત્રિ/વિજયા દશમી પર્વની ઉજવણી, તા.૨૧ મી ઓક્ટોબર ૨૦૧૮ના શુભ દિને, ગ્રેસ એન્ગ્લીકન ચર્ચ, મિલ્ટન ખાતે, ભક્તિમય – ઉલ્હાસપૂર્ણ વાતાવરણમાં, પૂર્વ-પ્રમુખશ્રી સર્વશ્રી જયંતિભાઈ પટેલ, વડીલશ્રી જયંતિભાઈ પંડયા, શ્રી મણીભાઈ પટેલ અને “ વેજી પલ્લાનેટ-મિસીસાગા ”- પરિવારના લક્ષ્મણભાઈ ડોબરીયાના યજમાનપદે, ઉજવવામાં આવી હતી.

જગદ-જનની અંબિકા અને પરમ કૃપાળુ પરમેશ્વરની અસીમ-કૃપા સમાજના સર્વે સભ્ય-કુટુંબો પર અવિરત રહે અને સમાજની આર્થિક, સામાજિક અને સાર્વત્રિક પ્રગતિ થતી રહે તેવી પ્રાર્થના, એચ.જી.એસ.એસ. પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટ ,શ્રીમતિ કલ્પનાબેન શાહ, પૂર્વ-પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ,શ્રીમતિ જ્યોત્સનાબેન પટેલ, શ્રીમતિ શકુંતલાબેન પંડયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી. પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટે નવા-જુના સભ્યોને અંત:કારણ પૂર્વક આવકારી,  વિજય પર્વ દશેરાનું ધાર્મિક મહત્વ સમજાવી, મંડળની કાર્યવાહીને વધુ ઉત્કૃષ્ઠ બનાવવા, સૂચન-પેટીનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ ચૂટણીમાં ઈચ્છિત ઉમેદવારને મતદાન કરવા આગ્રહ ભરી વિનંતી કરી હતી. શ્રીમતિ કલ્પનાબેન શાહે, ગત મિટિંગની સફળતાથી આનંદ વ્યકત કરી, ૧૮મી નવેમ્બર ૨૦૧૮ના, રોજ દિવાળી પ્રસંગના આયોજન અને ફંડ-વ્યવસ્થા અંગે ,ઉપલભ્ધ માહિતી આપી,સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

શ્રીમતિ શકુંતલાબેન પંડ્યાએ દેવી-માહાત્મ્ય સમજાવી, “તાંત્રિક દેવી સુક્ત ”નું સામુહિક પઠન કરાવ્યું હતું. શ્રી જયંતિભાઈ પટેલ     ( ધમાલિયા ચિન્ટુ ) અને શ્રી પંકજભાઈ ત્રિવેદી ( વિદ્યાર્થી-હિતચિંતક / શિસ્ત-પ્રિય ) પ્રાધ્યાપકની ભૂમિકામાં માર્મિક-પ્રહસન રજુ કરી, વર્તમાન પેઢીની “ ભવિષ્યના ધ્યેય-અગ્રતાક્રમ પસંદગી”-માં કરાતી ભૂલો ઉજાગર કરી- સમાજના સભ્યોને સાનંદ વિચારતાંકરી દીધાં હતા. સંતાનોના લગ્ન અને જન્મ-દિન નિમિત્તે યજમાન બનેલ પરિવારના સદસ્યો, સ્થાપક પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, વહીવટી-કમિટી સભ્યો શ્રી ભરતભાઈ પટેલ, શ્રી મહેશભાઈ શાહ, શ્રીમતિ રંજનબેન ખંડેરિયા અને એચ.જી.એસ.એસ.પરિજનોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી-સ્તુતિ કરી, નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબાની શરૂઆત કરી હતી. સહુ પ્રથમ શ્રીમતિ સુભદ્રાબેન પટેલે ગરબાનો ઘટ – કેવી રીતે બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે તે અંગે જાણકારી આપી – માતાજીની છડી પોકારી, ગરબાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ શ્રીમતિ ચંપાબેન પટેલ, શ્રીમતિ કનકલત્તા ત્રિવેદી અને શ્રીમતિ શકુંતલાબેન જે.પંડયા અને સહેલી-વૃંદે એકતાલી અને ત્રણ તાળીના ગરબા ગવડાવી, પ્રસંગને જીવંત બનાવ્યો હતો. ભારતીય સમાજમાં ગર્ભ-દીપ લઈને ગરબે ઘુમવું, એક સુંદર- શુકનિયાળ પ્રસંગ ગણાય છે. સમાજની બહેનોએ ગર્ભ-દીપ માથે લઇ પોતાની અંતરેચ્છા પૂરી કરી હતી.

મિલ્ટનની ચૂટણીમાં વોર્ડ -૧ માં રીજીઓનલ કાઉન્સિલર તરીકે ઉમેદવારી કરનાર, એચ.જી.એસ.એસ.ના સેક્રેટરી શ્રીમતિ હસુબેન સ્થાનકીયાએ પણ ગર્ભ-દીપ લઇ માતાજીના આશિષ પ્રાપ્ત કર્યા હતા, તેમજ તેમણે વિરામ સમયમાં અન્ય ગુજરાતી ઉમેદવાર શ્રી બિરેન ગોસાઈ વોર્ડ ૪ અને હોલ્ટન સ્કૂલ બોર્ડના ઉમેદવાર શ્રી નીલ ભટ્ટ અંગે માહિતિ આપી હતી. મતદાન એ લોકશાહી પર્વનું અતિ આવશ્યક અંગ ગણાવી,આર્થિક અને સમય-દાન કરી,પોતાનો ઉત્સાહ વધારવા બદલ સહુનો હાર્દિક માન્યો હતો. તેમજ અન્ય સહુ ઉમેદવારોને એચ,જી,એસ.એસ.ના સભ્યોને મળી, વાર્તાલાપ કરવાની તક આપવાના ઉમદા ઉદ્દેશ્યથી, તેમણે અમુક  ઉમેદવારોને આમંત્રણ આપ્યા હતાં, જેનો શ્રી અમન સિંગ હેન્સ અને શ્રી. ગેલન નાઈડુ એ લાભ લઇ, વડીલોના પ્રશ્નો અંગેની જાણકારીનું આદાન-પ્રદાન કર્યું હતું. શ્રી મહેશભાઈ શાહ, શ્રી સુધીરભાઈ શેઠ અને શ્રી લક્ષ્મણભાઈ ડોબરિયા દ્વારા, સમાજવતી સહુ ઉમેદવારોને વિજયી નીવડવાની શુભેચ્છા અપાઈ હતી.

શ્રી જયંતિભાઈ પટેલે જીવનના ૭૫ વર્ષ પુરા કર્યા હોઈ-અન્ય આ માસ માં જન્મેલ સભ્યોની ઉપસ્થિતિમાં સ-પુષ્પ સન્માન કરી- સહુની ઉપસ્થિતિમાં તેમના સુપુત્ર ચી. જીગરભાઈ તથા પોત્ર્રી ચી. મેત્રી અને પરિજનો દ્વારા લવાયેલ જન્મ-દિન કેક કાપી, જન્મ-દિન ગીત-ગાન કરી આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે આ પ્રસંગે યજમાન કુટુંબોના પરિજનો દ્વારા પિરસાયેલ પાંઉ–ભાજી, બિરિયાની, ગુલાબ-જાંબુ/ પેંડાનો મન-ભાવન ભોજના સ્વાદ લઇ સહુ છુટા પડયા હતા. જય માતાજી !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *