HGSS MEETING 9-Sep-2018 🗓 🗺

Past Events
grace anglican church 317 main st. e. milton ontario Map

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની બહુહેતુક સભા યોજાઈ

             જીવનના વિવિધ અનુભવોની સમૃદ્ધિ ધરાવનાર વ્યક્તિ એટલે વડીલ. હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ આવા જ વડીલોનો સમૂહ છે. એચ.જી.એસ.એસ.દ્વારા તા.૯ મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે, ગ્રેસ એગ્લીકન ચર્ચમાં, સાંસ્કૃતિક, સામાજિક અને શાશકીય પાસાઓને આવરી લેતી, બહુહેતુક સભા શ્રીમતિ સુભદ્રાબેન એન.પટેલ, શ્રીમતિ શકુંતલાબેન જે.પંડયા, શ્રીમતિ રક્ષાબેન પી.સુખડવાલા, શ્રીમતિ પ્રભાબેન એ. દેસાઈ, શ્રી પ્રભુદાસભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલના યજમાનપદે, આનંદિત મહોલમાં યોજાઈ હતી.

શરૂઆતમાં એચ.જી.એસ.એસ.ના પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટે સહુનું સ્વાગત કરી, મિટિંગના યજમાનોને, સામુહિક પ્રાર્થના કરાવવા આમંત્ર્યા હતા. સહુએ પરમકૃપાળુ પરમાત્માને, સર્વના સર્વાંગી વિકાસ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય આપવા પ્રાર્થના કરી હતી. શ્રીમતિ કલ્પનાબેન શાહે આગામી મિટિંગ માટેના યજમાન- શેરી-ગરબાની પશ્ચાદ ભૂમિકા માં ઓક્ટોબરની નવરાત્રિ મિટિંગ અંગે જાણકારી આપી હતી અને સૂચનો માંગ્યા હતા.શ્રીમતિ શકુંતલાબેન પંડ્યાએ ભારતીય ગરિમા વધારતો વિદેશી પ્રમુખ દ્વારા પોતાની જીવન-કથા માં વર્ણવાયેલ પ્રસંગ કહ્યો હતો, ત્વરિત હાસ્ય ઉપજાવવામાં માહિર શ્રી ભુપેન્દ્રભાઈ મોદીએ વડીલ-વિવેક સમજાવતી હાસ્ય-કવિતા રજુ કરી હતી.. ત્યારબાદ પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટે, સદાબહાર ઇવેન્ટ-મેનેજર શ્રી અલ્પેશભાઈ પટેલને વડીલ-મનોરંજન માટે આમંત્રણ આપ્યું હતું.

શ્રી અલ્પેશભાઈ પટેલે, ભારતના લોકપ્રિય વડાપ્રધાનના શબ્દો અને લહેકામાં “ પોતાના વ્યક્તિ કોને કહેવાય?”- તે સમજાવ્યું હતું. ત્યારબાદ વિવિધ રમતો જેવી કે હાઉસી, ન્યુઝ પેપરને મ્હોથી કાણા પાડવા, પેપરને આઠ ફોલ્ડમાં વાળવું, કૌન બનેગા ડોલરપતિ, શબ્દાંક્ષરિ, બોલ-પાસિંગ, ઇસકી ટોપી ઉસકે સર, “ પીઠ ઉંચી ઊંટ કી, કાચો પાપડ, રેડ લોરી-યલો લોરી” જેવી શબ્દ રમતો- ભાઈઓની ટીમ “જોરદાર”અને બહેનોની ટીમ “ખબરદાર”- વચ્ચે, રમાડી- બે કલાક સુધી- વડીલોનું મનોરંજન કર્યું હતું.બધી જ રમતોમાં સર્વે વડીલોએ અને યજમાન કુટુંબોના પરિજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એચ.જી.એસ.એસ.ના વરિષ્ઠ કમિટી-સભ્ય શ્રીમતિ દિવ્યાબેન કાપડિયાએ આગામી કાર્યક્રમોમાં યજમાન સંખ્યા અંગેની નીતિની જાણકારી આપી, જે સભ્યોની લગ્ન-તિથિ અથવા જન્મ-દિન સપ્ટેમ્બર માસમાં હોય તેઓને પધારવા આમંત્રણ આપ્યું હતું તેમજ બર્થ-ડે ગીત ગાઈ, સુદીર્ઘ આયુષ્ય, તંદુરસ્તી અને સાર્વત્રિક પ્રગતિની વાંચના કરી હતી.

શ્રી સુધીરભાઈ શેઠે, ઓક્ટોબરમાં, મિલ્ટન મ્યુનિસિપલ અને હોલ્ટન એજ્યુકેશન બોર્ડની ચુંટણી હોઈ, ચૂટણીમાં એચ.જી.એસ.એસ.ના સેક્રેટરી શ્રીમતિ હસુબેન સ્થાનકિયા ( હસુ બિહારી )એ વોર્ડ-૧ માં રીજીઓનલ કાઉન્સીલર તરીકે ઉમેદવારી કરી હોઈ, શ્રી સુધીરભાઈ શેઠે, તેઓના પ્રચારમાં તન ,મન ,ધનથી સહાય કરવા સહુને વિનંતી કરી હતી. મિલ્ટન વોર્ડ ૧ ના ઉમેદવાર અને એચ.જી.એસ.એસ.ના સેક્રેટરી શ્રીમતિ હસુબેન સ્થાનકિયા ( હસુ-બિહારી )  -કે જેઓ અન્ય સમાજસેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે- પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે આપ સહુના પીઠબળ અને હુંફ સાથે મેં ઉમેદવારી કરી છે જેથી કરીને વિકસતા મિલ્ટનમાં સર્વે વયસ્કોના મહત્વના પ્રશ્નોની સફળતાપૂર્વક રજૂઆત કરી, આપણા સહુના આ વિકાસ પામી રહેલા મિલ્ટનને, આપણી કલ્પનાનું આદર્શ મિલ્ટન બનાવી શકાય. તેઓએ વોર્ડ ૪ ના ઉમેદવાર શ્રી બિરેન ગોસાઈ અને સ્કૂલ બોર્ડના ઉમેદવાર શ્રી નીલ ભટ્ટને પણ હાર્દિક ટેકો આપવા આહ્વાન કર્યું હતું. જેને ઉપસ્થિત સહુએ વધાવી લીધું હતું.

એચ.જી.એસ.એસ.ના પ્રમુખ શ્રીમતિ મીનાબેન ભટ્ટ, ઉપ-પ્રમુખ શ્રી પીયુષભાઈ પટેલ અને  સેક્રેટરી શ્રીમતિ હસુબેન સ્થાનકિયા સહ સર્વે વહીવટી કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં, શ્રી પંકજભાઈ ત્રિવેદી દ્વારા શબ્દ-દેહિત અને અમદાવાદના પ્રસિદ્ધ તેમજ એચ.જી.એસ.એસ.ના તસ્વીરકાર શ્રી સુરેશભાઈ પડિયા દ્વારા કલાત્મક રીતે આકર્ષક બનાવાયેલ તસ્વીર-ગ્રંથ,- કે  જેમાં સર્વશ્રી મહેશભાઈ શાહને, તેમના  ૭૦ માં જન-દિન વખતે વડીલોની ઉપસ્થિતિમાં કુટુંબીજનો દ્વારા અપાયેલ સરપ્રાઈઝ-પાર્ટી ની અમુલ્ય સ્મૃતિ કંડારાયેલી છે, -અર્પણ કરાયો હતો. શ્રી મહેશભાઈ શાહે સર્વનો આભાર માની તસ્વીર-ગ્રંથને પોતાના જીવનની અમુલ્ય અસ્ક્યામત ગણાવ્યો હતો.ઉપ-પ્રમુખશ્રી પીયુષભાઈ પટેલે શ્રાવણી-અમાસના શુભ દિને અને ઘણા વડીલો જયારે ભારત-ગમનની તૈયારી કરી રહ્યા છે, તેવા સમયે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદમાં સહભાગી બનવા બદલ સહુ વડીલોનો, મનોરંજન કરનાર કલાકાર શ્રી અલ્પેશભાઈ પટેલ, યજમાનોના પરિજનોનો હાર્દિક આભાર માન્યો હતો. અંતે સર્વને પ્રિય મોદક, ખમણ, ઊંધિયા સહિતની સ્વાદિષ્ઠ ગુજરાતી થાળીનો સ્વાદ માણી, સહુએ પ્રસન્ન-મને વિદાય લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *